Last modified on 3 जुलाई 2015, at 15:09

એમિલી ડિકિન્સન / નટવર ગાંધી

(પૃથ્વી)

પ્રવેશ કરવા દઈ સ્વજન, મિત્ર બેચાર ને
સલાક જડબે તું બંધ કરી બારી ને બારણાં,
વિષાદમય જીવતી જીવન કલાન્ત એકાંતનું,
સૂની કુહરમાં અનૂઢ, ઉરભગ્ન, એકાકિની.

દુવાર સહુ બંધ તો ય જન કૈંક આવી વસે,
પુરાઈ ઘરમાં છતાં ભમતી ભવ્ય ભૂલોકમાં,
તરે તું ઉરગર્ભના અતલ ગૂઢ પાતાળમાં,
દઈ ડૂબકી લાવતી મણી સહસ્ત્ર મુક્તાફળો.

વિદાય થકી પામતી મરમ સ્વર્ગ ને નર્કના,
કદીક મરતી કરે કવન કબ્ર, કોફીનના,
સવારી લઈ આવતા મરણ દૂત અદ્‌ભુતના,
અનંત જીવીતવ્યના, ઝખમ સૂક્ષ્મ, વૈફલ્યના.

કવિ તમસ, તેજની, પ્રવણ સત્ય, સંક્ષિપ્તની,
અનામી કદી નમ્ર તો કદીક ઉગ્ર વિદ્રોહિણી!