Last modified on 28 दिसम्बर 2014, at 12:10

ઘર ૧ / ભરત ત્રિવેદી

ઘર એટલે ઘર
જે અડગ ઊભું રહે પવનની સામે,
સમયની સામે,
ગગનની સામે,
બધી જ બારીઓ ખોલીને બિનધાસ્ત

અમાસની રાત્રેય તમે ભૂલા ના પડો
તેને શોધતાં
પગ જ લઈ જાય બારણાં સુધી
ને બારણાં ટકોરા માર્યા વિના.

બધી મુસાફરીને અંતે ઘર આવે
ઘર આવતાં જ મુસાફરીનો થાક
બારણાં પાસે પગરખાં જેમ
ઊભો રહી જાય કતારબંધ -
બા-અદબ હોશિયાર

ઘરની આસપાસ ગામ આંટા મારે
ઘરમાં રહે બહાર દેખી શકાય
બહારથી તો દેખાય
દીવાલ, તેનો રંગ, તેની છત.
અંદરથી દેખાય ઘર
ને બહારથી દેખાય તે તેનો પડછાયો