Last modified on 17 मई 2015, at 16:02

છેલ્લી ટૂંક : ગિરનાર / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,
તું એનો ગોવાળ, ખંભે કાળી કામળી.
તું ચાંદાનું બેસણું, હરનું ભવ્ય લલાટ,
નભહિંડોળાખાટ, કિરણઆંકડીએ જડી.

પરાજયોની પ્રેરણા, ધરતીનો જયદંડ,
તું ઊંચો પડછંદ અથાક, અણનમ, એકલો.

ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ,
ગિર આખી ચોપાટ, સાવજ તારાં સોગઠાં.

તારાં ઊંચાં આસને ચઢતાં થાક્યાં અંગ,
થાકે કેમ ઉમંગ જેનાં ઊડણ એકલાં ?

ઊંચે આભ ઝળુંભિયો નીચે વનવિસ્તાર
અહીં તારો આધાર, હાલરડાં હરિનામનાં !

ઊતરવું ગમતું નથી અંક ઝુકાવ્યું શીશ
દે દાદા, આશિષ, 'ચઢતાં થાક નહિ ચડે.'