Last modified on 3 जुलाई 2015, at 14:45

મધ્યરાત્રીએ કોયલ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

આ પગથી પર પગલાં પડ્યાં રહ્યાં છે, જોયાં!
આ ચાંદોયે આજે ઊગ્યો છે ગઈ કાલનો,
પગલાંમાંથી ચરણો ચાલ્યાં ગયાં છે કોનાં?
આ ચાંદો કેમ આજે ઊગ્યો છે ગઈ કાલનો?

નીડે સૂતાં ટોળે કાળુડાં બચોળિયાં
-માં એકને રે આજે આઘું શું સંભળાય?
કે કાગબાળ પાંખોને દઈને હડસેલો
કોયલ એક, ટહુકો વાળીને, ઊડી જાય.
રે હેત મને સાંભર્યાં છે જનમો જૂનાં,
હડસેલો મને વાગ્યો છે વીસરાયાં વ્હાલનો.

એક તરુડાળે માળામાં દીઠો સૂનકાર મેં
ને મધરાતે ચાંદમાં દીઠી રે કૂવેલડી.
ને કંદરાએ કંદરાએ સાદ દીધો વળતો
પણ પહાડોને પાંખો કપાયલી ન સાંપડી.

કોણ અહીં પડ્યું રહ્યું પગલાં થઈ કોનાં?
આ ચાંદો આજે ઊગ્યો છે કોઈ ગઈ કાલનો.
પગલાંમાંથી ચરણો ચાલ્યાં ગયાં છે કોનાં?
આ ચાંદો આજે ઊગ્યો છે કોઈ ગઈ કાલનો.