Last modified on 21 जुलाई 2016, at 02:51

મલાઈન કેન્યૉન સન્મુખ / ભારતી રાણે

હું પ્રફુલ્લિત આશાઓનું એક ગીત લખવા ઈચ્છું છું,
પણ મારા શબ્દો મને લઈ જાય છે, અણવહ્યાં આંસુઓ સુધી.
ન જાણે ક્યાંથી ઊમડી આવતો આ જાજરમાન જળરાશિ
મારી ભીતરના પાષાણને કોતરી-કોતરીને ઊતરતો જશે
ઊંડે ને ઊંડે, ને ત્યાંથી વહી આવશે,
કરાડ કોતરીને ધસી આવતા જળધોધની જેમ
શાંત જળના સરોવર સુધી.

મલાઈન કેન્યૉન તળે વિસ્તરેલા સરોવરનાં
નિશ્ચલ-નીરવ જળમાંથી ઊભરતી મૌન પ્રફુલ્લતા
કાંઠે ઊભેલ વૃક્ષોની પાંદડીઓને સ્પર્શતી
ને આકાશ સુધી વિસ્તરતી જોઉં છું, ને થાય છે :

મારે પણ મનની અસીમ શાંતિમાંથી ઊભરતું આશાભર્યું એક ગીત રચવું છે,
માત્ર એક ગીત;
આંખોમાં ઊમડી આવતો જળરાશિ સુકાઈ જાય એ પહેલાં,
પાંદડી જેવું ફરફરતું મારું અસ્તિત્વ
સરોવરના પાણી પરથી પ્રસરતી લહેરખીઓનો સ્પર્શ
ગુમાવી બેસે, એ પહેલાં !