Last modified on 31 जनवरी 2015, at 15:41

રંગ મોરલીએ / પિનાકિન ઠાકોર

રંગ મોરલીએ રે રંગ મોરલીએ,
મોરલીએ ઘેલા કીધાં ઘનશ્યામ
અમને ઘેલા કીધાં ઘનશ્યામ.
વનરાતે વનની વાટે કાનુડા તારી
વ્રેહ ભરી વાંસળી વાગે,
કાંઠે કદંબની કળીઓ કળીઓ ઝુરતી ઝુરતી જાગે,
હો ઝબકી જાગ્યું ગોકુળિયું ગામ. અમને ઘેલાં0

જમુનાનાં નીર તે ઝંપે ઘડીક ના
ઉછળી ઉછળી આવે,
ધેનુનાં ધણ તે ઊભાં થંભીને
કોણ વેણુ તે વાઈને બોલાવે,
હો વાયરામાં વહેતું આવે તારું નામ. અમને ઘેલાં0

ઘેલા ગોવાળિયા ગોતી રહ્યા છે
કાનો વેણુ વગાડે કંઈ કુંજે,
વનવનમાં જનજનના હૈયે છુપાઈ છાનો
બંસીના બોલ એવા ગુંજે;
કે ભુલવ્યાં દેવોને દુર્લભ ધામ. અમને ઘેલાં0