Last modified on 28 दिसम्बर 2014, at 12:40

વિદેશવટો / ભરત ત્રિવેદી

કેલેન્ડર પરના પાન ઉપર
આજે આવી બેઠી છે વસંતપંચમી
ફ્લાવરનાં ફૂલો હસી હસીને
વાંકાં વળી ગયાં છે
રડવાની અવેજીમાં - કદાચ
ને
કોઈ ભમરો ફરકતો નથી આસપાસ
ઉઘાડી રહી ગયેલી બારીમાંથી
અંદર આવી રહ્યો છે
કાતિલ ઠંડો પવન
સુસવાટાભેર, ને
વસંત
એક લાંબી સફેદ ચાદર ઓઢીને પડી છે
મારા આ ઘરઆંગણે
અહીં તેને કાંધ આપવાય
કોણ આવશે ?
દૂરદૂર સુધી વિસ્તરતો રહ્યો છે
એક નિ:સાસો
કોઈ અભાગીની આંખ આગળ
છવાતા જતા ધુમ્મસ જેવો
ખૂબ જ ઘેરો...