Last modified on 26 दिसम्बर 2014, at 15:45

એક ન અવતરેલી બાળકીના ઉદગાર / યામિની વ્યાસ

આંગળી પકડીને તારી ચાલવા દે,
મા! મને તું આ જગતમાં આવવા દે!

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,
ગોરમાની છાબ લીલી વાવવા દે!

તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?
તારી આકૃતિ ફરી સર્જાવવા દે!

ઢીંગલી, ઝાંઝર ને ચણિયા–ચોળી, મહેંદી...
બાળપણના રંગ કંઇ છલકાવવા દે!

રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે!

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકાવવા દે!

સાપનો ભારો નથી : તુજ અંશ છું હું!
લાગણીના બંધનો બંધાવવા દે!