Last modified on 21 जुलाई 2016, at 02:42

એક બસ એના વિશેનો ખ્યાલ કૈં આવી શકે / જાતુષ જોશી

એક બસ એના વિશેનો ખ્યાલ કૈં આવી શકે,
આ જગતને એ પછી ભરપૂર તું ચાહી શકે.

તું ય બોલાવે નહીં એવુંય બનવાજોગ છે,
એય બનવાજોગ છે કે એય બોલાવી શકે.

ટેરવાં, પીંછી, બધી રેખા ને રંગો વ્યર્થ છે,
ચિત્ર એનું ફક્ત આપોઆપ સર્જાઈ શકે.

એય સમજાઈ જશે પણ હા, શરત છે એટલી,
તું સમજ કેળવ નહીં, એ તો જ સમજાઈ શકે.

એ સદા અહીંયાં હતો, અહીંયાં જ છે, અહીંયાં હશે,
તું અહીં તો આવ પ્હેલાં તુંય પરમાણી શકે.