भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કંસારા બજાર / મનીષા જોષી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
'ચિ. મનીષાના જન્મ પ્રસંગે'
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે 'દિ થી.