भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

કુટફળ અંગ / અખો ભગત

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર.

પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;
સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;
ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન.

જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;
કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.

ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય.

અનુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;
ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ.

આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.

જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.

જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;
સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે.

ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા.

જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;
પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા.

ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;
તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે.

જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;
એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર.

કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ;
નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા.

રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;
અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા.

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.

સસાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;
વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા.

જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ.

જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;
અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે;
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ.

આત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.

બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;
બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે.

અણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;
પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો.

પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ.

પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ.

ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ;
મૂળ સ્વરૂપે જે કોઇ થયો, તેને ભણ્યાનો સ્વભાવ ગયો;
અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્‌ચિત્‌આનંદ વદે વેદાંત.

વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી;
વેદાંત વાયક મોટો ભેદ, આસુરીનો કર્યો ઉચ્છેદ;
દૈવી તો છે ધણીનું રૂપ, અખા આસુરી ઉંડો કૂપ.

આસુરી દૈવીને ગડબડ થઈ, દીસે દૈવી તેમાં આસુરી રહી;
માટે જ્ઞાની ટળતા ફરે, જેમ રૂડે ઘેર જાતાં શ્વાનથી ડરે;
અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય.

ઘર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં;
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ, વણટેવે જેમ વણસે રંગ;
અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ.

નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે;
સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતનો લેશ જ જાય;
આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ.

આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર;
વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે;
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર.

ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ;
સાચી વાતને સંતજ વદે, તેને મૂરખ ઉલટો નંદે;
અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર.

જગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે;
સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ;
એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે.

વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે;
ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ;
અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા.

ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;
તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો;
વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.

જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;
ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી;
તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ.

સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર;
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.

લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;
એમ હારને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા;
અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર.

અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;
કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી;
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો.

ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;
બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય;
જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા.

સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;
સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા;
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય.

મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;
મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી;
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ.

જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ;
ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે, દામચામનાં જતનજ કરે;
અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત.

હરિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;
પાણો કે હું પર્વત લહું, એ આશ્ચર્ય તે કેને કહું;
અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી.

જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;
નીર હતું તે કીચમાં ગયું, આત્મથકી તે અળગું રહ્યું;
છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ.

અનંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;
વેદ બ્રહ્માએ પૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી;
ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ.

વષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય;
કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.

જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;
સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય;
જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે.

કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;
નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય;
હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર.

જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;
અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા;
કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ.

અખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ;
જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય;
પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ.

તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે;
તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય;
અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય.

લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;
અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા;
અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાય.

જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું;
તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો;
અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ કથીશમાં વળી.

અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;
જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય;
રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ.

અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો;
ગવરાવ્યા જશ હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ;
અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છેટા રહ્યા.

છતો ધણી તું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ;
છતો ધણી છે વાણીરહિત, છતો ધણી છે શબ્દાતીત;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનું કારજ સર્યું.

સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મૂકી દે;
અટળ વસ્તુને અહોનિશ ધાય, ટળને બાંધણે બાંધ્યો ન જાય;
ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત.

જાણી વસ્તુ ને ઉપનો વૈરાગ્ય, અણછતું આવ્રણ ન પામે લાગ;
ઓળખ્યા ચોર ને સાવચેત થયા, વળતા તે તો કૂશળ રહ્યા;
અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ.

આનંદ વધાઇ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય;
અનેક જુગનું આવ્રણ જેહ, જ્ઞાનવજ્રથી ભાંગે તેહ;
ધન ધન જ્ઞાનીજનનું ગાત્ર, જગત જાણ્યું જેણે તૃણમાત્ર.