વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મઝા 
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા.
પોપટ શોધે મરચીને, મધ પતંગિયાની ગોત
આંબો આપે કેરી, દેહની ડાળો ફળતી મોત. 
કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય.
જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ 
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ.
ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય.
જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ.