भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ફૂલડાંકટોરી / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!