भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સલામ વડોદરા / ભરત ત્રિવેદી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

સમયસર આવી ગયા એટલે
સાલી ટ્રેન પણ સમયસર આવી જશે તેવી
માન્યતા સાથે
આજકાલ કોઈ મુસાફરી કરે છે ખરું ?
પણ જો મોડા પડ્યા તો ?
રાત ક્યાં ગાળવી ?
સ્ટેશન પાસેની સસ્તી ગાર્ડન લૉજ તો હવે
પસ્તીની વખાર બની બેઠી છે !
રિક્ષાવાળો તો જોર લગાવે પણ
માંડવીથી સયાજીગંજ આવતાં
માર્ગમાં હઠીલા બળદ જેવું
મંગલબજાર બેસી પડ્યું હોય તો શું કરવું ?
વડોદરામાં રહેવું
હવે વધારે અઘરું થતું જાય છે
તેમ ભલે ને બધા જ કહેતા ફરે
અમદાવાદી પોળ પાસે
અકારણ આંટા મારતા જતાં,
પણ વડોદરાની બહાર નીકળવું
ક્યાં એટલું સહેલું છે !
તે વાત તો અમે
સમયસર સ્ટેશન પર આવીને
સમજી ગયા છીએ.
અખબાર જેવા આપણે
પ્લૅટફૉર્મ પર બેઠા
સુરત જનારા મુસાફરને કહી શકીએ ખરા કે
અલકાપુરીમાં કે થોડા આગળ જઈને
કોઈ મંદિરમાં જઈને બગાસાં
ખાવાં કરવા કરતાં
ક્યારેય સમયસર ના આવતી ટ્રેનની
આમ વાટ જોવામાં જે સુકૂન મળે છે
તે બીજે કશે મળે ખરો ?
વડોદરામાં હવે તો જગદીશનો ચેવડો પણ
તીખો મટીને ખોરો થવા લાગ્યો છે
જતાં-આવતાં રેઢિયાળ વાહનોથી
ઊડતી ધૂળને લઈને !
નદીની રેતમાં રમતું નગર
આદિલજીને હવે મળે કે ના મળે !
પણ અમને તો
આ ચેવડામાં ધૂળ ભેળવીને ખાતું નગર
મળશે જ મળશે
આવતા વીંટરમાં -
આ જ સમયે - આવું ને આવું જ...