મૂક 
વાતાયન મહીં ઊભી હતી 
શ્યામા. 
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી 
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો. 
માધુર્ય જન્માવી ગયો. 
ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો 
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ !
ઉદરમાં 
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ 
પીંજરામાં ક્લાન્ત ને આકુલ 
શ્યામા જોઉં છું, નતશિર. 
‘કોણ છે આ કૃત્યનો કર્તા ?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા. 
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં. 
હું કવિ 
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું :
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું : 
‘સૂર્યને શિક્ષા કરો.’