Last modified on 16 अगस्त 2013, at 15:39

પસ્તાવો / કલાપી

Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:39, 16 अगस्त 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= કલાપી |अनुवादक= |संग्रह= }} {{KKCatGhazal}} <poem>...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!

એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!

રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!

કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!

એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-

“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !

“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!

ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,

ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!

હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.