Last modified on 5 जुलाई 2016, at 20:26

ગણી બતાવ / હરિશ્ચન્દ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું, હવે ?
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે ?
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.