Last modified on 21 जुलाई 2016, at 02:51

જિંદગી / ભારતી રાણે

તીર ખેંચાયું પણછ પર, લક્ષ્ય જેવી જિંદગી,
દ્રૌપદી કેરે સ્વયંવર મત્સ્ય જેવી જિંદગી.


ઘૂઘવે સાગર સમયનો આભ ઊંચા કેફમાં,
રેત ઉપર ચીતરેલા દૃશ્ય જેવી જિંદગી.

નાંગરેલી નાવ જેવી શક્યતાના દેશમાં,
સાત સાગરની સફરના સ્વપ્ન જેવી જિંદગી.

શ્વાસની એ શોધ છે કે સારથિની મુન્સફી ?
યુદ્ધ-મેદાને વિષાદી પ્રશ્ન જેવી જિંદગી.

કોણ જાણે ક્યાં જતો આ રાતદિનનો કાફલો,
કોણ જાણે કઈ સફરના જશ્ન જેવી જિંદગી !

મોહનાં વસ્ત્રો સજીને મ્હાલતી મેળે મળી,
મૃત્યુની મીઠી કટારે જખ્મ જેવી જિંદગી.

રાખમાંથી પાંખ ફૂટે, પાનખરને કૂંપળો,
દેવહુમાની ધધકતી ભસ્મ જેવી જિંદગી.

હાસ્યના હરએક ફુવારે જળ મળે અશ્રુ તણાં,
શ્વાસના વેશે સમયના છદ્મ જેવી જિંદગી.

હોંશથી ભેટી ખડકને તૂટતું મોજું કહે:
ઓટ-ભરતીની સમુદ્રે રસ્મ જેવી જિંદગી.