Last modified on 28 दिसम्बर 2014, at 12:11

તુલસીકયારો / ભરત ત્રિવેદી

મને હવે મારા આંગણમાં
એક તુલસીકયારો રોપવાનું
મન થયા કરે છે...

કયાંક એવું તો નહીં હોય ને કે
દાદીમા
દિવાનખંડમાં ટાંગેલા ફોટામાંથી
કોઈ જોતું ના હોય ત્યારે
આંગણામાં લટાર મારી આવે છે,
ને પછી તેમની આદત મુજબ
મને કહ્યા કરે છે!
બધા તો કહે છે કે
અહીંની માટીમાં તુલસીનો છોડ
લાખ પ્રયત્નને અંતે ય ફાલતો નથી !

દાદીમાનો ફોટો લાવી
દીવાલ પર ટાંગ્યો
ત્યારે વિચારવા જેવું હતું,

હવે તો તુલસીકયારો
કવિતામાં ઊગી નીકળે ને
કોઈ ઘેઘૂર વડની જેમ વિસ્તરે
તો વાત બને.