ખુશ્બૂને... ઝાકળને...ઝળઝળિયાંને તેડાં મોકલું ,
હે ગઝલ ! તારાં સમોવડિયાને તેડાં મોકલું !
માંડવો એનાં વગર રહેશે અધૂરો ,બાઈજી!
રૂસણાંને કઉં ને પાતળિયાને તેડાં મોકલું !
મોરપીછું મહેકમાં બોળીને લખશું નોતરાં ,
હે ગણુદાદા ! કયા લહિયાને તેડાં મોકલું !
નોતરું નરસિંહને ગાલિબને જીવણદાસને,
વ્હાલકુડા મારા ઈ હઈયાને તેડાં મોકલું !
તરણાનો પણ ભાર જ્યારે લાગે ટચલીબાઈને,
બેય કર જોડીને શામળિયાને તેડાં મોકલું !
ઓરડો ઝાંખો કરું કે દીવડો ઝીણો કરું?
કઈ રીતે હે રાત ! જીવણિયાને તેડાં મોકલું !