Last modified on 23 जनवरी 2015, at 13:44

મારી કવિતા / પન્ના નાયક

એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે
એમાં મારો મેક-અપ વિનાનો ચહેરો છે
એમાં મારા વિચારોનું સત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે
એમાં કાચની પારદર્શકતા છે
એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે
એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઈ કાલ નથી, કોઈ આવતી કાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.

એમાં પન્ના છે,

ખુલ્લેખુલ્લી...
ગમે તો સ્વીકારો
નહીં તો...