રજકણ સૂરજ થવાને શમણે,
ઊગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.