Last modified on 8 अगस्त 2013, at 17:43

વર્ષા / નર્મદશંકર દવે

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.