વાયા વસંતપવનો વનમાં, દ્રુમોની
કાયા થકી પરણ-ચુંદડીઓ ઉડાડી;
શી સોહતી ફૂલથી અંગકલા ઉઘાડી !
સૌ રંગમાં, શરમ રાખતું કોણ કોની?
ફૂલે ફૂલે ભ્રમરટોળી ભમંત ધૃષ્ટ
એકે ય અંગ નહિ અંગથી રહે અસ્પૃષ્ટ;
ઊડે ઘટામહીંથી પંચમનો પરાગ;
ને રોમરોમ ઊઠી ખાખરઅંગ આગ.
વાયા વસંતપવનો જનમાં, અનંગે
પ્રત્યેક પુષ્પશર તીણું બનાવી તાક્યું;
વીંધાઈને જ રમવાનું સુરક્ત રંગે
રહેતું રખે ટીપું ય મોદતણું અચાખ્યું !
વીતી શિશિર, પણ આગળ છે ઉનાળો
તો ચાલ, બાંધી લઈએ પ્રિય એક માળો.