આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ,
તને અડવાની કીધી મેં ભૂલ !
ઊર્મિના કેસૂડા ખીલ્યા વગડામાં
અને કૂંપળના કાન થયા સરવા;
વાયરો વસંતનાં લાવ્યો વધામણાં ને
પાંદડે ફૂટ્યાં છે લાખ સમણાં;
સમણાંને કાનમાં કહું છું, આંખોમાં હવે
ફાગણિયો રંગ ઓઢી ઝૂલી
આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ !
ભીની હથેળીમાં મહોરી ગઈ મોસમ ને
આંખે અંજાઈ ફૂલક્યારી,
નેહ તારો ઝાકળની ઝીણેરી ભાત,
ઝાારો ચહેરો ઉજાસની ઝારી.
મહેંદી રચેલી આ ડાળીને વાગ્યાં છે
મધમીઠા ટહુકાનાં શૂલ,
આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ !