Last modified on 29 जनवरी 2015, at 21:45

સ્વામાન / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

મન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ ;
શર સૌ પાછાં પામશો.

ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે-માન0

હિમાદ્રિ અમલિન સુહાસે,
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો-માન0

રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના !

માન તમારે હાથ ન સોંપ્યું
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ ;
શર સૌ પાછાં પામશો.