Last modified on 27 अप्रैल 2015, at 09:36

હરી ગયો / નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું
ને તોયે મુજને વરી ગયો!
અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે બે કરથી
 વરમાળા રે ધરી ગયો!

સપનામાં યે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુઃખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તો યે સ્હેવાતું
એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!