અમે જોગી બધા વરવા / કલાપી

અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ,
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ.

જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી,
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ.

જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ,
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ.

જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં,
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ.

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી,
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ.

ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ.

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ.

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ.

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં,
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ.

જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા,
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ.

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ.

અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી,
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ.

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.