Last modified on 1 जनवरी 2015, at 19:53

અવધૂત ગાન / પ્રહલાદ જેઠાલાલ પારેખ

એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફૂવારો;
હૈયે અમારે ગાનનો એક ફુવારો.

ગાનના તારે ધરણી સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયા સાથે કરીએ એક વિરાટ :
અમારાં ગાન એ મિલનવાટ.

ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠેથી ઊઠે તાન;
તેના ઘેનમાં રે' અમ પ્રાણ.

ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
અને એ ઊડતો સાથોસાથ.