Last modified on 12 अगस्त 2015, at 10:50

ઋણી હોય છે / સુધીર પટેલ

કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !

જંગલોમાં જઈ કરે તપ એને ક્યાંથી હો ખબર?
શહેરનીઆ જિંદગી પણ એક ધૂણી હોય છે!

વાત માણસની સરળ કોની થશે ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !

હું ય માણસ છું, મને સ્વીકાર સૌભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !

આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનોજ ઋણી હોય છે !