Last modified on 28 दिसम्बर 2014, at 12:39

ઑફિસ / ભરત ત્રિવેદી

ઑફિસને કાન હોય
પણ તમે તેને કરડી ના શકો
મન તો થઈ આવે ક્યારેક
કે એટલી ઊંચાઈ પર
પહોંચી જાઉં કે
પછી તેને ખભે બેસીને
તેના વાળ ખેંચું,
તેના ગોળમટોળ ગાલ પંપાળીને
એક હળવી થપ્પડ મારું
તેની મૂછોને બંને હાથમાં લઈને
એવી તો ખેંચું કે
તેની આંખથી આંસુ ટપકવા લાગે
સામે ઊભેલા ચપરાસી
હાથમાં કૅમેરા લઈને તક ઝડપી લે
ને રવિવારના
અખબારોમાં તે ફોટો આવે