Last modified on 27 दिसम्बर 2014, at 09:59

કાયમી પીડા / અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.