કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?
વેરી હોય તો વઢતાં રે ફાવીએ,
પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ,
ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!
સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે!
કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે!
રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!
કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે!
અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો:
ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!