ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
મન ઉપર ચોંટી સમજ ખંખેરી નાખ!
ચીજ સૌ તું પર્ણ રૂપે ધારને_
એ કહો કે હો અબજ, ખંખેરી નાખ!
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહંના સૌ સૂરજ ખંખેરી નાખ!
નાદમાં તું પૂર્ણ રૂપે વ્યક્ત થઈ,
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ!
જાત તારી ટહુકતી રહેશે 'સુધીર',
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ!