Last modified on 17 मई 2015, at 16:08

ઘૂમટો મેલ્ય / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

નવાનગરની વહુવારુ, તારો ઘૂમટો મેલ્ય,
વડવાઈઓની વચમાં જો ને
નીકળી નમણી નાગરવેલ્ય :
નવાનગરની વહુવારુ તારો ઘૂમટો મેલ્ય.

તાળાં નંદવાણાં ને પિંજર ઊઘડ્યાં,
સૂરજના તાપે જો, સળિયા યે ઓગળ્યા :
ચંપકવનની ચરકલડી, તારે ઊડવું સ્હેલ,
વાહોલિયાને વીંઝણે તારા
હૈયાની શેણે નમતી હેલ્ય ?
નવાનગરની વહુવારુ, તારો ઘૂમટો મેલ્ય.

વાયરે ચડીને જો, ફૂલડાં રૂમઝૂમતાં,
વગડામાં વેરાયાં ફાગણનાં ફૂમતાં :
ફૂલડે રમતી ફોરમડી, તારૂં ફળિયું મેલ્ય,
સપનાંલ્હેરે રમતી તારી
નીંદર-નાવડી આઘી ઠેલ્ય;
નવાનગરની વહુવારુ તારો ઘૂમટો મેલ્ય.