Last modified on 19 अगस्त 2013, at 15:39

ચક્ષુ બદલાણી ને / ગંગાસતી

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.

ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.