જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;
વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય;
કહે અખો નર વંઠ્યા સરે, નરનારીની નિંદા કરે.
બ્રહ્મ કર્મ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધછેધા કુકટને કષ્ટ;
સંપ્રદાય શુદ્ધ ન આવ્યું જ્ઞાન, મનમાં તે જ્ઞાનીનું માન;
કહે અખો નર મુક્તા ફરે, નગર છુટી ધેનુ ઓખર કરે.
દોષ દૃષ્ટિ દુર્મતિ નવ ટળી, તો શું સાધ્યું કથા સાંભળી;
ગુરુવચન પાળે તે સંત, ઘાટ ઘણેરા કાઢે દંત;
કહે અખો હરિની નહિ મયા, સાંભળીને સામા શઠ થયા.
એક સુકું જ્ઞાન કથે દામણા, તે હરિ ફળ પામે વામણા;
પાપ પુન્યના ભેદ અમો લહ્યા, જે હતું તે સમજી રહ્યા;
કહે આપે મુકે વાધે માન, અખા એહ તે સુકું જ્ઞાન.
સુકું જ્ઞાન ને વ્યંડળ મૂછ, કરપી ધન કુતરાંનું પૂછ;
એ ચારેથી અર્થ ન થાય, સામું એબ ઉઘાડે કાય;
અખા અમલવિન હાકમ જસે, કથ્યું જ્ઞાન પણ હરિ નવ વસે.
જ્ઞાનીનાં નોય ટોળાં ટોળ, મુક્તા નોય સર્વ ગજકપોલ;
શબ્દવેધિ જોધા કોય તંત, શંખ સકળ નોય દક્ષણાવંત(જમણેરી શંખ);
બહુમાં નિપજે કો એક જન, બાકી અખા રમાડે મન.