જોઈએ છે એક ઝાડ !
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ !
બારે માસ લીલું ને લીલું રહેતું હોય એવું -
ઊંચું -
બીજા માળે આવેલા ફ્લૅટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું !
અને
ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ
જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર ઍસે પણ લખાવી શકાય !