મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં
હો ગીત રે!
ક્યારેક કોમલ ફૂલશયને
નીંદરની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને,
આવો આંસુ ને આવો સ્મિત રે!
ન્હાવું નથી સૂરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે
નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!