Last modified on 19 जुलाई 2013, at 15:15

નંદલાલ નહિ રે આવું / મીરાંબાઈ

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે;
કામ છે, કામ છે, કામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના;
વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા રે વનમાં રાસ રચ્યો છે;
સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા તે વનની કુંજગલીમાં;
ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા તે વનના મારગે જાતાં;
દાણ આપવાની મુને ઘણી હામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ;
ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.