નવ કરશો કોઈ શોક રસિકડાં,
નવ કરશો કોઈ શોક.
યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી,
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી.
મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી,
એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી.
હતો દુખિયો થયો સુખિયો સમજો છૂટ્યો રણથી,
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી,
વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.
જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી,
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી.
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી,
મને વિસારી રામ સમરજો સુખી થશો તે લતથી.