Last modified on 16 अगस्त 2013, at 15:34

નિર્દોષ પંખીને / કલાપી

(મંદાક્રાંતા)
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો.

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊડી શક્યું ના.

ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો,
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું છેક તેનું અહોહો.

આહા! કિન્તુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે, જીવ ઊગરશે, કોણ જાણી શકે એ.

જીવ્યું,આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફળને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને.

રે રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.