તમે એમને જોયા છે ?
પૂરનાં ચઢતાં પાણીની ઘૂમરીઓ વચ્ચે
મારા પપ્પા ખોવાયા છે !
પપ્પાને ઓળખવાનો એક
સીધો રસ્તો કહું ?
એમની એક આંખમાં મમ્મી રહે
ને બીજી આંખમાં હું !
પાણી લેવા વાંકા વળ્યા ને બાલ્કનીમાંથી ઢોળાયા છે.
મારા પપ્પા ખોવાયા છે !
ઘરમાં બધું કોરુંકટાક,
ખાલી પપ્પાની આંખોમાં પાણી,
તરસને અંદર જ છુપાવી દીધેલી
પપ્પાએ કેમ કરી જાણી ?
હાથમાં પાણી ને આંખમાં પણ પાણી
એવા કોઈ દેખાયા છે ?
નીચેથી ઊતરેલું પણી બધું
મમ્મીની આંખે ભરાયું,
એ છુપાવી છુપાવી આંસુ લૂછે
મારાથી ખુલ્લું રડાયું.
મોડે મોડે મને પપ્પા સમજાયા છે.
ત્યારે જ જુઓ ને મારા પપ્પા ખોવાયા છે !