શરીરાઈને ગહન કરી લઉં પરથમ પહેલાં !
સબદ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પહેલાં !
કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પહેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પહેલાં !
એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં...
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પહેલાં !
ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની
સવ્વા વ્હાલથી શુકન કરી લઉં પરથમ પહેલાં !
પછી અખા સોનીની એ ડેલી રણકાવું...
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પહેલાં !
સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી દઉં,
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પહેલાં !