આરસનો ઉજમાળો દેહ;
આંખડીએ ઊભરાતો નેહ.
પાંખ મહીં તો મોતી મઢ્યાં,
હું નીચે, કાં ઊંચે ચઢ્યાં ?
અનંત વ્યોમે ગાતી પરી !
મુજ ગૃહથી કાં પાછી ફરી ?
વ્યોમબીજ શી તું સુકુમાર,
ઊડતું પંખી વ્યોમ અપાર.
કાળી આંખો કાળા કેશ,
શિરે ધર્યો સાચે શું શેષ ?
ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા,
મુજ વાડીથી પાછા ફર્યા ?
ફૂલ ફૂલનાં તો પગલાં પડે,
અંગોથી ઉછરંગ ઝરે;
સુંદરતાની સુંદર વેલ,
કળી ઝૂલે તું અણવિકસેલ.
સોણે સૌને આવો બ્હેન!
પાછાં ઠેલ્યાં મારાં ક્હેણ ?
બાળપણામાં સાથે રમ્યાં,
એકબીજાને બહુએ ગમ્યાં;
ભાઈબ્હેનનાં બાંધ્યાં હેત,
વિસર્યાં એ સૌ સ્નેહ સમેત ?
મનવનમાં સાથે વિચર્યાં;
મનગમતાં શાં કાવ્યો કર્યાં ?
નિશદિન તું સ્વપ્નામાં આવ,
એ દિવસો શું વીસરી સાવ ?
વાદળનું વાહન તું કરે,
ગાતી ગાતી આવે ઘરે.
મોટી થઈ બેસાડે અંક !
કમળપત્રના વીંઝે પંખ !
પાંખ વીંઝતી ઊંચે ચડે,
મુજ સાથે તોફાને ચડે.
ત્યાં આવે અદ્ભુત આવાસ,
લગ્નોત્સવશા હોય ઉજાસ !
ભવ્ય તુજ આરસના મ્હેલ !
અંદર કરતાં કેવો ગેલ ?
ફૂલધારી તુજ સખીઓ રમે,
ચાંદો ને તારલીયા ભમે;
ફૂલડાંને હીંચે હીંચાવ,
હોજ મહીં હંકારે નાવ !
અધવચ જાતાં નાવ ડૂબે,
મુજને લઈ તું અંદર કૂદે !
અંદર આવે છૂપા વાસ,
પુષ્પમાત્રની હોય સુવાસ;
અર્ધ માછલી, અર્ધ માનવી,
દાસી આવે થાળો ધરી.
અંક ધરી ખવરાવે મને,
હા, હા ! એ તો કેવું ગમે !
જાત જાતના હીરા મળે,
હીરાના તું હાર કરે;
મોતીનો તું મુગટ બનાવ,
શણગારીને ઉપર લાવ.
ચકિત બની સૌ વાતો કરે !
તારાઓ તો બળી મરે !
એવાં એવાં રમણો રમ્યાં :
બાળપણામાં બહુએ ગમ્યાં.
યૌવનમાં કાં ના’વે પરી ?
સરા...સરી...ના પાછી ફરી ?
સ્વપ્નાંઓ સૌ જટિલ થયાં,
પરી તણાં સોણાંઓ ગયાં !
નહિ; પરી તો સ્નેહસખી;
અળગી નવ થાયે એ નકી;
સ્નિગ્ધ રૂપ તુજ વિકસી ગયું
પૌરુષમાં એ તો પ્રગટ્યું.
બાળપણાની મીઠી પરી !
યૌવનમાં પૌરુષ પમરી !