પ્રણયઘનની ગાઢી છાયા છવાઈ હતી તદા
મુજ હ્રદયના ભાવો જાણી, અજાણ બની રહી
તુજ નયનની વિદ્યુત્ શાને હતી વરસાવતી ?
સુતનુ ! તુજ એ વિદ્યુલ્લેખા, સુમંજુલ, નર્તને
મુજ પ્રણયને અર્પી દીધો સ્વીકાર કરે ન વા,
નહિ જ કદી યે પ્રેમોત્કંપો ઘટે અવમાનવા.
હ્રદયદ્ધય જો ના પ્રીછાયાં, હતી વિધિનિર્મિતિ;
સુતનુ, તુજને વ્હાલાં લાગે, તુફાન મને ય તે,
ઉરરમતની મસ્તી માંહે ભીરુ ન થવું ઘટે.
તુજ હ્રદયને તેં પ્રીછ્યું ના, પ્રિછાવિયું એ સજા ?
અરૂપ રૂપની ગાથા, ગાથા સનાતન પ્રેમની
પ્રગટ તુજથી થાવા માગે મનુષ્યની વાંછના.
વિધિવશ મળે સૌએ,છૂટાં વિધિથી થવું;
જીવતર મહીં થોડું જીવી, ઘણું ન બગાડવું;
ગત વીસરવું, ભાવિ સાચું પુનઃ સરજાવવા.