Last modified on 23 जनवरी 2015, at 13:46

પ્રતીતિ / પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં
તને થયેલાં પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારા શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતા શૂઝ પહેરી,
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને
હાથમાં ઝુલાવતો ઝુલાવતો,
મારા અનાવરણ મૃત દેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની
કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે....!