પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યા જાળ;
શ્ર્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ;
કહે અખો મર્મ સમજ્યા પખે, સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.
કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહણીનો ગાજ;
વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યોથો પાછો પડે;
મિથ્યા સંસાર સાચો કવિ કવે, રખે અખા તું એવું લવે.
પૂજાવા મનમાં બવ કૌડ, શબ્દતણા જોડે છે જોડ;
ભૂખ્યો નર બહુ તક્રજ પીયે, જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીયે;
તેણે ધ્રાય નહીને વાધે રોગ, એમ અખા નોહે આતમભોગ.
કવિ થૈને અધકું શું કવ્યું, જોતા નહિ બ્રહ્મ અણચવ્યું;
રાગદ્વેષની પુંજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી;
તેમાં અખા શું પામે લાભ, વાયે ગયો જેમ સ્ત્રીનો ગાભ.
કહે અખો હું ઘણુંએ રટ્યો, હરિને કાજે મન આવટ્યો;
ઘણાં કૃત્ય કર્યાં મેં બાહ્ય, તોયે ન ભાગી મનની દાઝ;
દરશન વેશ જોઇ બૌ રયો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો.
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્ગુરુ થયો, પણ વિચાર નગરાનો રયો;
વિચાર કહે પામ્યો શું અખા, જન્મજન્મનો ક્યાં છે સખા.
બહુ કાળ હું રોતો રયો, આવી અચાનક હરિ પ્રગટ થયો;
ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદે ઉથાપ;
અખે ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મુજ વાણ.
પરાત્પરબ્રહ્મ પરગટ થયા, ગુણદોષો તે દિનના ગયા;
અચ્યુત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચાવે અખો અજાણ;
જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.