Last modified on 9 अगस्त 2015, at 10:14

પ્રશ્નપત્ર / ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમેય મારી વાટ જુઓ છો, કેમ, ખરુંને...
'હા' કે 'ના'માં જવાબ આપો.

3. (આવ, હવે તો આષાઢી વરસાદ થઈને આવ, મને પલળાવ!)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો'તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું :
રસ આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છ્વાસો કોને માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂતરો કોરોકટ બસ તને મળ્યો છું.)

7. 'તમને હું ચાહું છું, ચાહીશ,'
કોણે, ક્યારે, કોને, આવી પંક્તિ (નથી) કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઇઝ નોટ એપ્લીકેબલ.