તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટનાં બંધન.
કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.
નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.